Monday, October 21, 2019

"મનનાં મંથનને મચક આપું"

"મનનાં મંથનને મચક આપું"


સમય થોડો વિચિત્ર અને વંઠેલ ચાલી રહ્યો છે.
ભરોસો, વિશ્વાસ કે શ્રધ્ધા આજકાલ
સંતનાં વ્યાખ્યાન કે પૂસ્તકોમાં દ્રષ્ટિગોચર થાય છે.

આપણે જ્યારે આપણું વ્યકિતગત અથવા તો
સામાજીક કામ લઇને તૈયારી, 
આયોજન કે વ્યવસ્થા કરતા હોઇએ છીએ તો કેટલાક 
વિશ્વાસુ હિતચિંતક, વફાદાર મિત્ર કે ભરોસામંદ 
સ્વજનને સાથે રાખીને આ કામ સફળતાપૂર્વક પાર પડે 
એવી તૈયારી કરતા હોઇએ છીએ.

પરંતુ જ્યારે પ્રસંગનો ખરેખર સમય આવે ત્યારે 
જે વીસ પચ્ચીસ જેટલા નામ કાઢ્યા હોય છે 
એમાંથી લગભગ અડધોઅડધ નામ કોઇને કોઇ કારણોસર, 
વ્યાજબી કારણસર ગેરહાજર રહે છે 
અને વ્યવસ્થા, પ્રસંગમાં એટલા અંશે ખાડો પડે છે.

આનાથી જે યજમાન કે આયોજક હોય છે, 
તેની પર બધાને પ્રશ્નાર્થચિહ્ન ઉભા થાય છે કે 'કેમ આવું થયું'.
પ્રસંગ કે કાર્યક્રમ રોકાતો નથી, રાહ જોતો નથી, એ તો પુરો થઇ જાય છે, 
પરંતુ પૂર્ણાહુતિ પર પ્રશ્ન ઉભો કરતો જાય છે.

આવું મારી સાથે થયું છે, તમારી સાથે થયું છે ખરું?

જો આવું બને તો આપણે મૂકેલ વિશ્વાસ માટે વિચારવાની જરુર છે 
કે ખરેખર આ કાર્યક્રમ સમયે કાર્યકર્તા હાજર રહેશે કે? 
જે થોડા સૌજન્યશીલ છે એ જવાબ પણ આપે છે કે :
૧ બહાર હોય આવી શકીશ નહીં,
૨ સાંજે બહારગામ જવાનું હોય, અવાશે નહીં,
૩ બહારગામ છું પણ પાછા આવતા મોડુ થાય એમ છે,
૪ મહેમાન આવેલ હોય, આવી શકાશે નહીં.

ત્યારે મનની સાથે મંથન કરતા અને નહીં આવેલા મિત્રોને પૂછતાં, 
જેનાથી ,લાંબે ગાળે ફાયદો થશે.

@ આવું થાય ત્યારે શક્ય એટલી ધીરજ રાખવી,
@ કાર્યક્રમમાં અધિરાઇ કે નથી આવ્યા તેમની ટીકા નકરવી,
@ કાર્યક્રમ પત્યા પછી શાંતિથી પૂછપરછ કરવી,
@ કેમ ન આવ્યા? કરતા તમને શું તકલીફ પડી એમપુછવું.
@ પુછપરછમાં અણઆવડતનાં કારણે, કાર્યકર્તા કે મિત્ર ખોવાનો વારો પણ આવી શકે.

હમણાં મારે એક મિટીંગ માટે ગ્વાલિયર જવાનું થયું.
ત્યાં વક્તા એ જે વાત કરી તે એકદમ હ્રદયસ્પર્શી હતી. 
એમણે ચરિત્ર બાબતે એવું કહ્યું કે,
આપણું ચરિત્ર એવું હોવું જોઈએ કે 
આપણાં દુશ્મન પણ આપણી વાત પર વિશ્વાસ મુકે.

અને એ પણ હકીકત છે કે પ્રસંગ આવશે અને જાશે 
પરંતુ મિત્રો કે કાર્યકર્તા તો એ જ રહેશે, 
જે કોઇને કોઇ કારણોસર આપણાં પ્રસંગમાં ઉપસ્થિત નથી રહ્યા.
તેથી સમયાનુસાર ઉપસંહાર એ છે કે 
પ્રસંગ કે કાર્યક્રમ કરતા મિત્રો કે કાર્યકર્તાને મહત્વનાં માનવા.

દતોપંતજી ઠેંગડી નામનાં એક સમાજશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી થઇ ગયા 
એમણે એમનાં પૂસ્તક "કાર્યકર્તા" માં લખેલ છે કે:
કોઇપણ સંસ્થા કે સંગઠનનો વિકાસ, મજબુતાઇ કે લોકોપયોગીતામાં 
મુખ્યત્વે ત્રણ બાબતો જ હોય છે:

(૧) અધિષ્ઠાન (હેતુ। લક્ષ્ય),
(૨) કાર્યપદ્ધતિ અને
(૩) કાર્યકર્તા

આ ત્રણમાં કાર્યકર્તા સૌથી અગત્યની બાબત છે. 
તેથી જ કોઇપણ ભોગે કાર્યકર્તા ગુમાવવો ન પડે, 
વિમુખ ન થાય અને સાતત્યતાથી કાર્યપદ્ધતિ સાથે જોડાયેલ રહે, 
એની મુખ્ય જવાબદારી તેનાં સંઘટક(ઓર્ગેનાઇઝર)ની છે.

અને સંઘટકની કૌશલ્યતાની કસોટી પણ આવા જ સમયે થતી હોય છે. 
તેથી ધૈર્ય, સમતા અને સામંજસ્યપૂર્ણ વ્યવહાર જ તેને 
આ વિપરીત સ્થિતિમાંથી બહાર લાવવામાં મદદરૂપ થાય છે.

અમેરીકામાં વોલ્ટ વ્હીટમેન નામનો કવિ થઇ ગયો. 
એણે એક વાક્યમાં ઘણું બધુ કહી દીધું છે:

"Always keep your face towards sunshine 
and shadow will fall behind you."
અહીં સનશાઇન એટલે પ્રયાસ, આશા અને સકારત્મકતા અને 
શેડોવ(પડછાયો) એટલે નિષ્ક્રિયતા, નિરાશા અને નિષેધાત્મકતા.

આપણે એ જાણી લઇએ કે હાર બે પ્રકારની હોય છે.
એક, પ્રયત્ન જ ન કરવો એટલે હાર્યા પહેલા જ હારી જવું.
બે, પ્રયત્ન પૂરેપૂરો કર્યો મહેનત પણ નિષ્ઠાથી કરી અને
હારી જવું.

આમાં પહેલી હાર જ હાર છે, જ્યારે બીજી હાર તો તમોને 
ફરીવાર જીત મેળવવામાં, તમો કેટલા ઉણા ઉતર્યા તેનું પૃથ્થકરણ માત્ર છે. 
એ હાર, હાર ન હોય શકે...!!!!

નવયુવા કવિ મૃગાંક શાહ એની કવિતા
'બીજું બધું થઇ જશે' માં છેલ્લે કહે છે:

"લાગણીઓની તમે ભીની રજુઆત તો કરો,બીજું બધું થઇ જશે',
જે જોઇએ એની માટે ૧૦૦% પુરુષાર્થ તો કરો,બીજું બધું થઇ જશે'.

છેલ્લે...

ચાલ રે મનવા ભુસી લઇએ સર્વે ઉઝરડા
જેણે જેણે આપણાં સબંધોને ખારા કર્યા,
ધરી લઇને નવા કલેવર, ફરી અવતરીએ,
નવા દેહે અને નવી રીતેથી સ્નેહવા સહુને.

બેસ્ટ લક લાઇફ....!!!!!

-જયંત કથીરિયા,
અમદાવાદ
૨૧.૧૦.૨૦૧૯(સોમ)



No comments:

Post a Comment